ટ્રમ્પની ચીન પરની ટૅરિફની ધમકીઃ વૈશ્વિક સોનાચાંદી નવી ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે અતિરિક્ત 100 ટકા ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા ટ્રેડ વૉર વકરે તેવી ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનને કારણે આર્થિક ડેટાઓની ગેરહાજરીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા તેજીને ઈંધણ મળ્યું હતું.
વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 10,825ના ઉછાળા સાથે રૂ. 1,75,325ના મથાળે પહોંચ્યા હતા.
આપણ વાંચો: વૈશ્વિક સોનામાં ટકેલું વલણઃ રોકાણકારોની નજર અમેરિકા-ચીન વચ્ચેની વેપાર વાટાઘાટો પર
જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક હતી. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2620 વધીને રૂ. 1,23,658 અને શુદ્ધ અથવા તો 999 ટચ સોનાના ભાવ રૂ. 2630ની તેજી સાથે રૂ. 1,24,155ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ માત્ર રોકાણલક્ષી માગ જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રેડ વૉરની ચિંતા અને રેટ કટના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે બન્ને કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4079.70 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 1.4 ટકા વધીને 4075.24 ડૉલર આસપાસ અને ડિસેમ્બર વાયદામાં ભાવ 2.4 ટકા ઉછળીને 4094.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 51.70 ડૉલર સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 1.50 ટકા વધીને આૈંસદીઠ 51.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: અમેરિકાના મજબૂત જોબ ડેટા અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર વિવાદ ઉકેલાવાનો આશાવાદ
ચીને મહત્ત્વના ખનીજોની નિકાસ પર નિયંત્રણો લાદવાના નિર્ણય સામે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત શુક્રવારે પહેલી નવેમ્બરથી ચીનથી થતી આયાત સામે 100 ટકા વધારાની ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારી હતી. જોકે, ગઈકાલે રવિવારે ટ્રમ્પે તેનાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર કહ્યું હતું કે ચીન બાબતે ચિંતા ન કરો, સૌ સારાવાના થશે. તેમ જ છતાં આજે વેપાર તણાવ વધવાની ચિંતા સપાટી પર રહેતાં સોનાચાંદીમાં તેજીનું વલણ રહ્યું હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવાન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સોનામાં આૈંસદીઠ 4200 ડૉલર તરફની આગેકૂચ જળવાઈ રહેશે.
વધુમાં બૅન્ક ઑફ અમેરિકાએ આગામી વર્ષ 2026 માટે સોનાના ભાવનો લક્ષ્યાંક વધારીને આૈંસદીઠ 5000 ડૉલરનો અને ચાંદીનો લક્ષ્યાંક વધારીને આૈંસદીઠ 65 ડૉલરનો મૂક્યો છે. વધુમાં ગોલ્ડમેન સાશે એક નોટ્સમાં જણાવ્યું હતું કે ચાંદીમાં રોકાણલક્ષી માગને કારણે આગામી મધ્યમ સમયગાળા દરમિયાન ચાંદીમાં તેજીની શક્યતા વધુ છે, પરંતુ ભાવમાં ભારે ચંચળતાને કારણે સોનાની સરખામણીમાં ચાંદીમાં ઘટાડાનું જોખમ પણ વધુ રહે તેમ જણાય છે.
વધુમાં રોકાણકારોની નજર આવતીકાલે એનએબીઈની વાર્ષિક સભામાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર હોવાથી અમુક અંશે સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.