આરબીડી પામોલિનમાં ધીમો સુધારો, રજાના માહોલમાં વેપાર પાંખાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ગઈકાલે ૩૭ સેન્ટનો સુધારો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૨૫ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. જોકે, આજે નંદોત્સવનો તહેવાર હોવાથી બજારમાં બંધસંધના માહોલમાં પાંખાં કામકાજો વચ્ચે આરબીડી પામોલિન અને સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો સુધારો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૭૦ અને રૂ. ૯૯૦ તથા ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના જેએનપીટીથી ડિલિવરી શરતે રૂ. ૯૮૦, મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૯૭૦ અને કંડલાથી ડિલિવરી શરતે રૂ. ૯૬૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૬૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૦, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૩૦, સિંગતેલના રૂ. ૧૫૬૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૦૧૦ અને સરસવના રૂ. ૧૨૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સૌરાષ્ટ્રના મથકો સાતમ-આઠમની રજાને કારણે બંધ રહ્યા હતા.
વધુમાં આજે મધ્યપ્રદેશનાં મથકો પર અંદાજે ૪૦,૦૦૦ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૫૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૫૨૫થી ૪૬૨૫માં થયા હતા. આ સિવાય રાજસ્થાનનાં મથકો પર સરસવની ૧.૨૫ લાખ ગૂણીની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૧૨૫થી ૬૧૫૦માં થયા હતા. તેમ જ સરસવ એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૨૨૩માં અને કચ્ચી ઘાણીના રૂ. ૧૨૩૩માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૩૫થી ૨૬૪૦ના મથાળે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.