વેપાર

સોનામાં રૂ. ૬૩નો અને ચાંદીમાં રૂ. ૨૯૨નો સુધારો


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ઘટ્યા મથાાળેથી સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯૨નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં રૂ. ૬૩નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ડૉલર નબળો પડવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો સુધરતા સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૯૨ના સુધારા સાથે રૂ. ૬૮,૮૭૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩ના મામૂલી સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૩૧૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૫૪૨ના મથાળે રહ્યા હતા.

મિનિયાપૉલિસ ફેડનાં પ્રેસિડૅન્ટ નીસ કશ્કરીએ ગઈકાલે જણાવ્યું હતું કે લાંબાગાળાની ટ્રેઝરીની યિલ્ડમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વને હવે વધુ વ્યાજદરમાં વધારો કરવાની આવશ્યકતા નહીં રહે, જ્યારે એટલાન્ટા ફેડના પ્રેસિડૅન્ટે પણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા નકારી કાઢી હતી. આમ વ્યાજદરમાં વધારાની શક્યતા પાતળી થતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૬૨.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮૭૬ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સોનામાં સલામતી માટેની માગને ટેકે સુધારો જોવા મળ્યો છે, પરંતુ ભવિષ્યની વધઘટનો આધાર અમેરિકાનાં ફુગાવાના ડેટા અને આગામી નાણાનીતિની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે કે નહીં તેના પર અવલંબિત રહેશે, એમ વિશ્ર્લેષકો જણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button