વેપાર

આજે આખલો હાઇ જમ્પ સાથે નવી ઊંચી સપાટી બતાવશે

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: આજેે સોમવારે, એક્ઝિટ પોલના મજબૂત શાસક પક્ષ તરફી સંકેત, શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગને પરિણામે બજાર જોરદાર ઉછાળા સાથે ખૂલીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે રોકાણકારોની નજર ચોથી જૂને જાહેર થનારા લોકસભાની ચૂંટણીના વાસ્તવિક પરિણામો પર મંડાયેલી રહેશે. જો પરિણામ અપેક્ષા અનુસારના આવશે તો એ દિવસે પણ જોરદાર વિક્રમી ઉછાલો જોવા મળશે.

નિફ્ટી ૫૦ બેન્ચમાર્કમાં અગાઉના સળંગ ચાર સત્રોમાં વિક્રમી ઊંચાઈથી ૬૦૦ પોઈન્ટ્સના કરેક્શન બાદ, ૩૧ મેના રોજ કળ વળતા બજારે રાહતનો શ્ર્વાસ લીધો હતો, જે એક્ઝિટ પોલની આગળ એક નાનું રિબાઉન્ડ દર્શાવે છે. પહેલી જૂનના રોજ એજન્સીઓના એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ત્રીજી વખત મજબૂત બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા છે.

તાજેતરના ભૂતકાળમાં ભારે દબાણ હેઠળ રહેલા બજાર માટે, અપેક્ષા કરતાં વધુ સારા જીડીપી ડેટા ઉપરાંત, આ એક ખૂબ પ્રોત્સાહક સમાચાર છે અને બજારના સેન્ટિમેન્ટને મંદ પાડતી ચૂંટણી પરિણામની મુંઝવણ પણ દૂર થઈ ગઈ હોય તેવું લાગે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

તેમના મતે, બજાર સોમવારે શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગ દ્વારા પ્રેરિત, તાજી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે અને ચોથી જૂને જો વાસ્તવિક પરિણામો સમાન સંકેત આપે, તો તે તેજીને વધુ લંબાવી શકે છે, પરંતુ આગામી સપ્તાહના પછીના ભાગમાં પ્રોફિટ બુકિંગ અને કોન્સોલિડેશનને નકારી શકાય નહીં. આ ઉપરાંત ઓટો શેરો પણ સપ્તાહના અંતે જાહેર કરાયેલા માસિક વેચાણ વોલ્યુમ ડેટા પર પ્રતિક્રિયા આપશે.

શુક્રવારે, નિફ્ટી ૫૦ ૪૨ પોઈન્ટ વધીને ૨૨,૫૩૧ પર હતો અને સેન્સેક્સ ૭૬ પોઈન્ટ વધીને ૭૩,૯૬૧ પર હતો, જોકે બંને ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૧.૯ ટકા તૂટ્યા હતા. એ જ રીતે, વ્યાપક બજારોના મોરચે, નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં અડધા ટકાનો વધારો થયો હતો, જ્યારે સાપ્તાહિક ધોરણે દરેકમાં એક ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો.

બજારના પીઢ નિરિક્ષક અને જાણીતા એનલિસ્ટે કહ્યું હતું કે, એક્ઝિટ પોલના પરિણામો, જે એનડીએ માટે સ્પષ્ટ વિજય સૂચવે છે, તેણે મે મહિનામાં બજારો પર દબાણ લાવનારા કહેવાતા ચૂંટણીના ડરને સંપૂર્ણપણે દૂર કરી નાંખ્યોે છે. આ પરિબળ તેજીના આખલાઓ માટે એક જોમ તરીકે આવ્યું છે, જે સોમવારે બજારમાં મોટી રેલીને ટ્રિગર કરશે.

તેમનું માનવું છે કે ફાઇનાન્શિયલ, કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઇલ્સ અને ટેલિકોમમાં લાર્જકેપ રેલીનું નેતૃત્વ કરશે.

શુક્રવારે બજારના કલાકો પછી જાહેર કરવામાં આવેલા જીડીપી ડેટામાં અપેક્ષા કરતાં વધુ સારી ૮.૨ ટકા જેટલી વૃદ્ધિથી તેજીવાળા વધુ ઉત્સાહિત થશે.

એક અન્ય માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે બજારોએ આટલા મજબૂત એક્ઝિટ પોલના પરિણામ ડિસ્કાઉન્ટ ના કર્યા હોય એ શક્ય છે. આપણે સોમવારે ઓપનિંગ ટ્રેડ પર તેનું થોડું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ અને બજારો રેકોર્ડ ઊંચાઈ પર રહેવાની અપેક્ષા છે. એકંદરે તે ટૂંકા અને લાંબા ગાળાના બજારો માટે હકારાત્મકતા દર્શાવે છે.

મજબૂત એક્ઝિટ પોલ પછી, બધાની નજર ચોથી જૂને જાહેર થનારા ચૂંટણીના વાસ્તવિક પરિણામો પર મંડાયેલી રહેશે. બજાર નિષ્ણાતો એ જ દિવસે સમાન પ્રકારના પરિણામો અને પ્રતિક્રિયાની આશા રાખી રહ્યા છે અને નીતિ ચાલુ રાખવા અંગે વિશ્ર્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બજાર ચોથી જૂન પછી, આગામી પાંચ વર્ષ માટે સરકારના રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે.

મતદાન કર્યા પછી મતદાન મથકોમાંથી બહાર નીકળેલા લોકોના સર્વેક્ષણમાં, અનેક એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સંકેત આપવામાં આવ્યો છે કે ભાજપની આગેવાની હેઠળના એનડીએને લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ૩૫૦થી વધુ બેઠકો મળવાની સંભાવના છે અને કેટલીક એજન્સીઓએ આ માટે ૪૦૦થી વધુ બેઠકો પણ દર્શાવી છે.

આ ઉપરાંત સાતમી જૂને થનારી રિઝર્વ બેન્કની ત્રણ-દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકનું પરિણામ પણ બજાર માટે મહત્ત્વનું છે. મોટાભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે નીતિ દરો યથાવત રહેશે અને ધ્યાન મુખ્યત્વે આરબીઆઈ ગવર્નરની ટિપ્પણી પર રહેશે. તેમના મતે ફુગાવાનું સ્તર જોતાં મધ્યસ્થ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરવામાં ઉતાવળ કરે એવી કોઇ સંભાવના નથી.

વધુમાં, આવતા અઠવાડિયે પીએમઆઈ ડેટામાંથી સંકેતો પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરશે. મે મહિના માટે એચએસબીસી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ પીએમઆઇ ડેટા અનુક્રમે ત્રણ જૂન અને ૫ાંચ જૂને રિલીઝ થશે. મોટાભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે બંને એપ્રિલમાં નોંધાયેલા ૫૮.૮ અને ૬૦.૮ (અનુક્રમે)ની અગાઉના આંકડાા કરતાં વધુ હશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ પણ આગળ જતા જોવાનું મુખ્ય પરિબળ બની રહેશે. મોટા ભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે અમેરિકાના વ્યાજ દરો હોવા છતાં, વિદેશી ફંડો પાછલા બે મહિનામાં તેમના નોંધપાત્ર આઉટફ્લો પછી, સંભવિત રાજકીય સ્થિરતા, મજબૂત આર્થિક વૃદ્ધિ અને ભારતમાં મેનેજ કરી શકાય તેવા ફુગાવાના સ્તરને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજારમાં
પાછાં ફરશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મે મહિનામાં રોકડ સેગમેન્ટમાં રૂ. ૪૨,૨૧૪ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે જૂન ૨૦૨૨ પછીનું સૌથી વધુ માસિક વેચાણ છે. એફઆઇઆઇએ ચાઇનીઝ શેરોમાં ખરીદી વાળી હતી અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો (૪.૫ ટકાના દરે વેપાર) થવાને કારણે પણ ભારતીય શેરબજારમાંથી નાણાં પાછાં ખેંચ્યા હતા. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ મહિના દરમિયાન રૂ. ૫૫,૭૩૩ કરોડના મૂલ્યના શેર ખરીદીને એફઆઇઆઇ આઉટફ્લોની સંપૂર્ણ ભરપાઈ કરી, જે હકીકતમાં બજાર માટે મુખ્ય સહાયક પરિબળ તરીકે કામ કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button