વેપાર

ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ ₹ ૩૯નો ઉછાળો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ ચીન પ્રોપર્ટી માર્કેટને મંદીની ગર્તામાંથી બહાર લાવવા માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદે આજે લંડન ખાતે કોપરમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની અમુક વેરાઈટીઓ, બ્રાસ શીટ કટિંગ્સ અને નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૯નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે નિરસ માગ અને સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે લંડન ખાતે સત્રના આરંભે ચીન પ્રોપર્ટી માર્કેટની વૃદ્ધિ માટે સ્ટિમ્યુલસ પેકેજની વિચારણા કરી રહ્યું હોવાના બ્લૂમબર્ગનાં અહેવાલને ધ્યાનમાં લેતા કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ટનદીઠ ૯૫૮૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૯ની તેજી સાથે રૂ. ૨૭૯૦ના મથાળે રહ્યા હતા.

આ સિવાય વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૮૨ અને રૂ. ૫૬૫, નિકલ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૧૩૯૫ અને રૂ. ૭૩૦ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૮૦૪ના મથાળે રહ્યા હતા. સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૮૫૩ અને રૂ. ૨૭૦ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા. સિવાય કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુ. યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button