ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ રૂ. 210નો ઉછાળો, અન્ય ધાતુઓમાં તેજીનું વલણ | મુંબઈ સમાચાર
વેપાર

ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ રૂ. 210નો ઉછાળો, અન્ય ધાતુઓમાં તેજીનું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં કોપરમાં પુરવઠાખેંચની ભીતિ વચ્ચે લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ધાતુઓમાં તેજીનું વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવ કિલોદીઠ રૂ. 210 ઉછળી આવ્યા હતા. તેમ જ બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં ટીનની આગેવાની હેઠળ ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 18ની તેજી જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 210ના ઉછાળા સાથે રૂ. 3408ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 18 વધીને રૂ. 1015, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. 295, નિકલના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. 1365, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. 590, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 898, રૂ. 884 અને રૂ. 815, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 264 અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 908ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે ખપપૂરતી માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 635, રૂ. 217 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યા હોવાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button