ટીનની આગેવાનીમાં ધાતુમાં જળવાતી આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે કોપરમાં પુરવઠાખેંચની ભીતિ વચ્ચે અન્ય ધાતુઓમાં પણ સુધારાતરફી વલણ રહેતું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સતત બીજા સત્રમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગનો ટેકો મળતા ભાવમાં કિલોદીઠ રૂ. 48નો ઉછાળો આવી ગયો હતો. વધુમાં આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં ટીનની આગેવાની હેઠળ ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 12 સુધીની તેજી જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 48ની તેજી સાથે રૂ. 3198ના મથાળે રહ્યા હતા.
આ સિવાય અન્ય ધાતુઓમાં જેમાં સ્ટોકિસ્ટોની માગ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગનો ટેકો મળતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 12 વધીને રૂ. 997, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. નવ વધીને રૂ. 907, નિકલ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 1358 અને રૂ. 635, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 879, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 893, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 810 અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટસ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 584, રૂ. 217, રૂ. 262 અને રૂ. 185ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 287ના મથાળે ટકેલા રહ્યા હતા.