સોનામાં ઉછાળો ઊભરા જેવો નિવડ્યો,₹ ૨૭૯નો ઘટાડો, ચાંદી ₹ ૨૨૭ ઝળકી
મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક અને અમેરિકાના જીડીપીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૮થી ૨૭૯નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૭ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૮ ઘટીને રૂ. ૬૨,૦૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૯ ઘટીને રૂ. ૬૨,૩૧૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૭ના ચમકારા સાથે રૂ. ૭૧,૨૯૯ના મથાળે રહ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં વેપાર પ્રવૃત્તિમાં વધારાની સાથે ફુગાવો પણ અંકુશમાં રહેતા વર્ષ ૨૦૨૪માં અમેરિકી અર્થતંત્ર મજબૂત રહેવાના આશાવાદ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૧૭.૩૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકાના સુધારા સાથે ૨૦૧૮.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.