અબળા નારીની અજબ શક્તિ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
મેકેન્ઝી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં નારીના રોલ અંગે જે રિપોર્ટ છે તેમાં જાણવા મળે છે કે સાઉથ એશિયામાં અને વિશ્ર્વમાં નારીનો રોલ શું છે, શું હોવા જોઇએ અને તેનાથી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં શું ફરક પડી શકે છે.
હોલીવૂડની મહાન કોમેડિયન મહિલા જોન રિવર્સ જે સપ્ટેમ્બર ૨૦૧૪માં લગભગ ૮૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામી તે હંમેશાં કહેતી હતી કે જો તેણે તેની જાતને ઘરના કામકાજમાં કે જે ડોમેસ્ટિક મેડ કરી શકે તેમાં જ ગુજારી હોત તો તે આજે સફળ કોમેડિયન, ટીવીહોસ્ટ, ટીવી એંકર, રાઇટર અને પ્રોડયુસર ના હોત.
મેકેન્ઝી તેના રિપોર્ટમાં જણાવે છે કે સાઉથ એશિયામાં ૯૦ ટકા નારીઓની જિંદગી કલીનીંગ, કુકીંગની અનપેઇડ જેવી થેંકલેસ જોબમાં જ પૂરી થઇ જાય છે. ભારતના ટોટલ વર્કફોર્સમાં નારીઓની સંખ્યા જુજ છે અને કુલ જીડીપીમાં તેનો ફાળો માત્ર ૧૭ ટકા
જ છે.
જયારે ચીનની કુલ જીડીપીમાં નારી શક્તિનો ફાળો ૪૧ ટકા છે.
રિપોર્ટ વધુમાં જણાવે છે કે વિકાસશીલ અને વિકસિત દેશોમાં પણ હજુ પણ નારીઓને નોકરીમાં પ્રમોશન, પગાર અને જોબ ક્વોલિટીમાં પુરુષ કર્મચારીના પ્રમાણમાં સહન કરવું પડે છે.
સાઉથ એશિયામાં નારીઓ ઘર, બાળકો, ઘરના સભ્યોની સંભાળ, રસોઇ અને ઘરકામ કરે છે. તેનું મૂલ્ય રૂપિયામાં તોલવું બહુ મુશ્કેલ છે અને તે રકમ જીડીપીમાં જોડી નથી શકાતી, કારણ કે તે અનપેઇડ જોબ છે! રિપોર્ટમાં જણાવ્યું છે કે જો આ નારીઓ બહાર જોબ કરે તો તેઓ કમાશે તેટલું જ નહીં પણ ઘરકામ કરનારી મહિલાઓને કામ મળશે અને આમ ડબલ રોજગાર પેદા કરી શકાશે. લોકોનું જીવન ધોરણ સુધરશે તેટલું જ નહીં પણ દેશની જીડીપીમાં આના કારણે ૫ ટકા જેટલો વધારો થઇ શકશે.
આ રીતે જો દુનિયાના બધા દેશોમાં નારીઓ ઘરકામ છોડીને કે તેની સાથે બહાર જોબ કરવા લાગે તો દુનિયાની જીડીપી ૨૮.૪ ટ્રિલિયન ડૉલર્સની થઇ શકે છે અને જે તે દેશોની કુલ જીડીપીમાં ૫ ટકાથી લઇને ૨૦ ટકા જેટલો તોતિંગ વધારો કરી તેઓની આર્થિક સ્થિતિમાં આમૂલ્ય પરિવર્તન લાવી શકે છે.
નારીઓના કામ કરવાથી જે તે દેશ કે સમૂહની આર્થિક સ્થિતિમાં ફાયદો થઇ શકે છે તેનો અંદાજ નીચે મુજબ છે. દા. ત. ભારતમાં જો નારીઓ ઘરકામની સાથે અથવા ઘરકામમાં બીજા કર્મચારીઓને રાખીને જોબ કરે તો આર્થિક ફાયદો ૬૦ ટકા સુધી થઇ શકે છે.
જયારે અન્ય દેશોમાં જોઇએ તો મીડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકામાં ૫૦ ટકા, સાઉથ એશિયા ભારત સિવાયના દેશોમાં ૪૫થી ૫૦ ટકા, લેટીન અમેરિકામાં ૪૦ ટકા, ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ એશિયામાં ૩૦થી ૪૦ ટકા, વેસ્ટર્ન યુરોપમાં ૩૦ ટકા અને ચીનમાં ૨૦થી ૨૫ ટકા સુધી આર્થિક ફાયદો થઇ શકે.
ભારતમાં શિક્ષિત, અર્ધશિક્ષિત કે અશિક્ષિત નારીઓને ઘરની ચાર દીવાલમાં જિંદગી ગુજારવા મજબૂર કરવામાં અજ્ઞાનતા, સામાજિક પછાતતા, શંકાશીલ સ્વભાવ કે જો નારીઓ બહાર જોબ કરીને પૈસા કમાશે તો સ્વતંત્ર કે આઝાદ થઇ જશે કે પછી ઘરની આર્થિક સ્થિતિ સારી હોવાના કારણે નારીઓની આવક બિનજરૂરી છે તેવા ઘણાં કારણો છે. પણ આ બધાના કારણે સામાજિક અને આર્થિક નુકસાન બહુ મોટું થઇ રહ્યું છે, કારણકે તેનાથી દેશ સમાજના એક મોટા વર્ગની શૈક્ષણિક અને બુદ્ધિ ધનનો લાભ ગુમાવી રહ્યો છે.
આપણે જોઇ શકીએ છીએ કે વિદેશમાં અને દેશમાં કેટલીય બૅન્કસ જેવી કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચએસબીસી બૅન્ક, બાયોકોન કંપની અને પેપ્સીકોલા જેવી કંપનીઓમાં નારીઓ ઉચ્ચ હોદા પર બેસીને અમુલ્ય સેવાઓ આપી રહી છે.
અફસોસની વાત તો એ છે કે ભારતમાં ૭૦ અને ૮૦ના દશકાઓમાં ૧૭ વર્ષ મહિલા વડાં પ્રધાન અને કેટલાંય રાજયોમાં મહિલા મુખ્ય મંત્રીઓ હોવા છતાં ૨૧મી સદીમાં માત્ર પુરુષના પ્રમાણમાં બહુ ઓછી નારીઓ જોબ કરે છે આમ નારી શક્તિને વિકસાવવા ઉપર ક્યારેય ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું.
માત્ર ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે ઉજવવાથી નારીઓનો વિકાસ નથી થવાનો ભારત અને વિશ્ર્વના અન્ય દેશોએ મહિલા પાવરનો ઉપયોગ કરીને તેઓની અને સમાજની આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર છે અને તેના માટે જરૂરી છે સમાજમાં નારીઓનું સ્થાન ઘરની ચાર દીવાલમાંથી બહાર કાઢીને તક આપીને યોગ્ય જગ્યાએ આપવાનું જેમ કે બ્રિટનની ભૂતપૂર્વ મહિલા વડાં પ્રધાન માર્ગારેટ થેચરનું કહેવું હતું કે “એની વુમન વ્હુ અન્ડરસ્ટેન્ડસ ધ પ્રોબ્લેમ ઓફ રનિંગ અ હોમ વિલ બી નીઅરરર ટુ અંડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ્સ ઑફ રનિંગ અ ક્ધટ્રી. (કોઇ પણ મહિલા જે ઘર ચલાવવાની સમસ્યા સમજ શકે છે તે દેશ ચલાવવાની સમસ્યા સમજી શકવાની અત્યંત નજીક છે).