ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ૨૮ ટકા વધીને ૫૭ અબજ ડોલર
મુંબઇ: વિશ્વના અન્ય દેશોની જેમ, ખાસ કરીને ચીન અને તુર્કીની સેન્ટ્રલ બેંકની જેમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારવામાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ જીયોપોલીટીકલ ન રહેવું પડે તે માટે આ પગલું ભરાયું છે.
ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ કેલેન્ડર વર્ષમાં જુલાઈ માસ દરમિયાન ગોલ્ડ રિઝર્વ ૨૮.૫ ટકા વધીને ૫૬.૭ અબજ ડોલર પહોંચ્યું હતું. જો કે, તેની અગાઉના માસ દરમિયાન તેમાં સર્વાધિક એવો ૨૯ ટકાનો વધારો નોંધાયો હતો. ડેટા મુજબ કુલ ફોરેક્સ રિઝર્વમાં જુલાઈ માસ દરમિયાન સોનાનો હિસ્સો ગત વર્ષના ૭.૪ ટકાથી વધીને ૮.૬ ટકા રહ્યો હતો.
અત્રે એ નોંધનીય રહેશે કે ૨૦૨૪ના પ્રારંભે જાન્યુઆરી માસમાં ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ૪૭.૫ અબજ ડોલર હતો. તેમાં છેલ્લા સાત માસ દરમિયાન ક્રમશ: વધારો જોવા મળ્યો છે.૩૦ ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૨.૩૦ અબજ ડોલર વધી ૬૮૩.૯૯ અબજ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. આ અગાઉ ૨૩ ઓગસ્ટના સપ્તાહમાં રિઝર્વમાં ૭.૦૨ અબજ ડોલરનો વધારો થયો હતો.
ફોરેકસ રિઝર્વના મુખ્ય ઘટક ફોરેન કરન્સી એસેટસમાં ૩૦ ઓગસ્ટના સપ્તાહમાં ૧.૪૯ અબજ ડોલરનો ઉમેરો થઈ ૫૯૯ અબજ ડોલર રહ્યું હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. ગોલ્ડ રિઝર્વનો આંક ૮૬.૨૦ કરોડ ડોલર વધી ૬૧.૮૬ અબજ ડોલર રહ્યો છે. ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક મની માર્કેટમાં અવારનવાર દરમિયાનગીરી કરતી રહે છે.