ક્રૂડ ઑઇલના ઉછાળા અને વિશ્ર્વ બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ ત્રીજા સત્રમાં ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજી અને મંદીવાળા વચ્ચે ભારે ખેંચતાણને અંતે સપ્તાહના પહેલા દિવસે મધ્યપૂર્વના દેશોમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું ઘર્ષણ ભીષણ બનવાની શક્યતાને કારણે ક્રૂડના ભાવમાં આવેલા ઉછાળા સાથે વિશ્ર્વ બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ ત્રીજા સત્રમાં ગબડ્યો હતો. સેન્સેક્સ ૧૧૫.૮૧ પોઇન્ટ અથવા તો ૦.૧૭ ટકાના ઘટાડા સાથે ૬૬,૧૬૬.૯૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૨૪૩.૩૬ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકા તૂટીને ૬૬,૦૩૯.૩૮ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નિફટી ૧૯.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૧૦ ટકા ગબડીને ૧૯,૭૩૧.૭૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં નેસ્લે, ટાટા ક્ધસલ્ટન્સિ સિર્વિસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ લુઝર બન્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીેલ ટેકનોલોજીસ, એક્સિસ બેન્ક, પાવરગ્રીડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેઇનર રહ્યાં હતાં.
સેન્સેક્સમાં જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૭૧ ટકા, ટાટા સ્ટિલ ૧.૬૦ ટકા, એચસીએલ ટેક્નોલોજી ૧.૨૦ ટકા, એક્સિસ બેન્ક ૧.૧૩ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૮ ટકા વધ્યા હતા, જ્યારે નેસલે ઈન્ડિયા ૧.૯૪ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૧.૨૯ ટકા, એશિયન પેઈન્ટ ૧.૧૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૪ ટકા અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડિસ્ટ્રીઝ ૦.૯૩ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓને ઉપલી અને આઠ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
એસએમઇ સેગમેન્ટમાં હલચલ ચાલું રહી છે. રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્ઝ લિમિટેડ ૯૫૬૧૦૦૦ ઇક્વિટી શેરની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં આજે પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ.૪૭થી રૂ.૫૦ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, અપર બેન્ડને આધારે કંપની રૂ. ૪૭.૮૧ કરોડ એકત્ર કરવા ધારે છે. ભરણું ૨૦મી ઑક્ટોબરે બંધ થશે. લઘુત્તમ બિડ લોટ ૩૦૦૦ ઇક્વિટી શેરની છે. શેર એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ છે, જ્યારે લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
કોર્પોરેટ હલચલમાં એન્વાયરમેન્ટલ ક્ધસલ્ટિંગ કંપની ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડને ગ્રામરસી ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ તરફથી રેડિયોએક્ટિવ સ્પેન્ટ કેટલિસ્ટના નિકાલ અને કંપનીના સલામત ક્લોઝ ડાઉન માટેનો વર્ક ઓર્ડર પ્રાપ્ત થયો છે. વર્ક ઓર્ડર રૂ. ૫૩ મિલિયનનો છે અને પ્રોજેકટ પૂરો કરવાની સમય મર્યાદા છ મહિનાની છે. મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડે લિક્વિડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં કાર્યરત સુનીલ ટ્રાન્સપોર્ટ સાથે સંયુક્ત સાહસ સાધ્યું છે. એવીજી લોજિસ્ટિક્સ અને સુનીલ ટ્રાન્સપોર્ટ વચ્ચેનું સંયુક્ત સાહસ સમગ્ર ભારતમાં ગ્રાહકોને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડશે. સ્થાનિક બજારમાં લિક્વિડ ટ્રાન્સપોર્ટેશન માટેની ભરપૂર સંભાવના છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંધાઇ અને હોંગકોંગ એક્સચેન્જમાં નરમાઇ જોવા મળી હતી. યુરોપના મોટાભાગના બજારોમાં ખૂલતા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના બજારો પાછલા સત્રમાાં, શુક્રવારે નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં વધ્યા મથાળે સહેજ ઘટાડો થયો હોવા છતાં તે બેરલ દીઠ ૯૦.૫૪ ડોલરની સપાટીએ રહ્યું હતું. એકધારા જીઓપોલિટિકલ ટેન્શનને કારણે બજારના સેન્ટિમેન્ટ પર દબાણ આવી રહ્યું હોવાનું જણાવતા જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, સારા પરિણામોની આશા વચ્ચે સ્મોલ અને મિડકેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી. તહેવારોની મોસમને કારણે પણ આ કંપનીઓને ટેકો મળવાની શક્યતા છે. જોકે, જો ક્રૂડ ઓઇલના ભાવમાં એકધારો વધરો થશે તો ઓપરેશનલ કોસ્ટમાં વધારો થશે અને માર્જિન પર દબાણ આવશે. એફઆઇઆઇનું વલણ પણ મહત્ત્વનું છે. એકધારી વેચવાલી બાદ વિદેશી ફંડોેએ પાછલા સત્રમાં શુક્રવારે રૂ. ૩૧૭.૦૧ કરોડની લેવાલી નોંધાવી હતી. જોકે, સોમવારના આ સત્રમાં ફરી રૂ. ૫૯૩.૬૬ કરોડની વેચવાલી નોંધાવી છે. આની સામે ડીઆઇઆઇએ રૂ. ૧,૧૮૪.૨૪ કરોડની લેવાલી કરી હોવા છતાં બજાર ગબડ્યું હતું. નિફ્ટીએ પાછલા સપ્તાહે હેમર પેટર્ન રચ્યા બાદ સમીક્ષા હેઠળના સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે બુલિશ કેન્ડલની રચના કરી છે. ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, તેજીવાળાઓએ નિફ્ટીને ૧૯,૬૦૦ની ઉપર ટકાવી રાખ્યો છે એ સારી વાત છે. જોકે, નિફટી માટે ૧૯,૫૦૦ ટેકાની સપાટી છે. આા સપાટી તૂટશે તો ૧૯,૩૦૦ અને જો કોઇ વિપરિત નકારાત્મક પરિબળ મળી જાય તો ૧૯,૦૦૦ની નીચે પમ ધસી જઇ શકે છે. પોઝિટીવ ઝોનમાં જો બેન્ચમાર્ક ૧૯,૯૦૦ની ઉપર મક્ક્મ બંધ આપે તો તેજી આગળ વધી શકે છે. ઓપ્શન ડેટામાં એવા સંકેત છે કે ૧૯,૫૦૦ મહત્ત્વની સપાટી છે અને ૧૯,૮૦૦-૧૯,૯૦૦ રેઝિસ્ટન્સ છે.નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ફેડરલ ચેરમેનની સ્પીચ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ, ચીનના જીડીપી નંબરો અને ક્રૂડ ઓઈલના ભાવો પર ફોકસ રાખીને, આગળ જતાં બજાર તંદુરસ્ત કોર્પોરેટ કમાણીની અપેક્ષાઓ અને આર્થિક ડેટા વચ્ચે પોઝિટીવ ટોન સાથે વ્યાપકપણે રેન્જબાઉન્ડ રહી શકે છે. પરિણામોની મોસમને કારણે બજારમાં સારી ઉથલપાથલ જોવા મળશે.
એફઆઇઆઇએ ગયા અઠવાડિયે રોકડ સેગમેન્ટમાં રૂ. ૨,૨૦૦ કરોડના મૂલ્યના શેરનું વેચાણ કર્યું હતું, જે વર્તમાન મહિનાનો કુલ આઉટફ્લો રૂ. ૧૦,૬૦૦ કરોડ પર લઈ ગયો હતો, જોકે ડીઆઇઆઇ મહિના દરમિયાન લગભગ રૂ. ૮,૪૦૦ કરોડના મૂલ્યના શેરો ખરીદીને મોટા પ્રમાણમાં સરભર કરવામાં સફળ રહ્યા હતા. જો ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વિસ્તરશે અને ક્રૂડમાં વધારો થશે, તો એફઆઇઆઇ વેચવાનું ચાલુ રાખી
શકે છે.