વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, આયાતકારોની ડૉલરમાં જળવાઈ રહેલી લેવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૯ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૨.૯૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીયામાં ૮૨.૯૫ અને ઉપરમાં ૮૨.૮૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૯૧ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે મોડી સાંજે અમેરિકાના વર્ષ ૨૦૨૩નાં ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત પર રોકાણકારો અને ટ્રેડરોની નજર હોવાથી વેપારમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે મુખ્યત્વે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હતો.

આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૯૦.૩૪ પૉઈન્ટનો અને ૨૪૭.૨૦ પૉઈન્ટનો ઘટાડો, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૫૦૯.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી, ડૉલર ઈન્ડેક્સ ૦.૩૭ ટકા વધીને ૧૦૪.૨૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૨ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button