ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ૨.૨૭ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૬૪.૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે કોન્સોલિડેટ થઈને અંતે સાધારણ બે પૈસાના ઘટીને ૮૩.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને રિઝર્વ બૅન્કની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે બૅન્ચમાર્ક દર ૬.૫ ટકાના સ્તરે જાળવી રાખતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૮ અને ઉપરમાં ૮૩.૩૩ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની છ સભ્યોની મૉનૅટરી પૉલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠકના અંતે સર્વાનુમતે બૅન્ચમાર્ક દર ૬.૫ ટકાના સ્તરે યથાવત્ રાખવાનો તેમ જ જો હાલની સ્થિતિ જળવાઈ રહે તો સુસંગત વલણ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. તે જોતા હાલનાં દર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં કેન્દ્રવર્તી બૅન્કે આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ ૬.૫ ટકાનો મૂક્યો હતો તે વધારીને ૭ ટકા કરતાં રૂપિયાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૦૩.૯૧ પૉઈન્ટનો અને ૬૮.૨૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
જ્યારે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા વધીને ૧૦૩.૭૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૨.૨૭ ટકા વધીને બેરલદીઠ ૭૫.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.