ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપેલી નરમાઈ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો આઠ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે આગલા બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૧૮ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે દશેરા નિમિત્તે સ્થાનિક ફોરેક્સ માર્કેટ બંધ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના ૮૩.૧૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૯ અને ઉપરમાં ૮૩.૦૮ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાર બાદ ડૉલરમાં સુધારો આવતાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૦ ટકા વધીને ૧૦૬.૪૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૦ ટકા વધીને બેરલદીઠ ૮૮.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૨૨.૮૨ પૉઈન્ટનો અને ૧૫૯.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.