ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ વચ્ચે આજે ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, સ્થાનિક બજારમાં રૂપિયો નીચી સપાટી આસપાસ રહ્યો હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંભવિત હસ્તક્ષેપને પગલે રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ફેરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૬ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૯૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૮ અને ઉપરમાં ૮૩.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા નીચા મથાળેથી શોર્ટ ટર્મ ઑફ શૉર માર્કેટમાં ડૉલરનું વેચાણ થયું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. જોકે, હાલના તબક્કે મધ્ય પૂર્વના દેશો ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધેલા રાજકીય-ભૌગોલિક તણાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીના દબાણને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેતાં ૮૩.૭૫થી ૮૪.૨૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે વધુ ૧.૧૨ ટકા વધીને બેરલદીઠ ૭૮.૪૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૦૮.૬૫ પૉઈન્ટનો અને ૨૦૦.૨૫ પૉઈન્ટનો ઘટાડો તથા ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૫,૨૪૩.૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા ઘટીને ૧૦૧.૮૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.