વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી નીકળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં બે પૈસા નબળો પડીને ૮૩.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સાધારણ નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૬૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૧ અને ઉપરમાં ૮૩.૬૨ની રેન્જમાં અથડાયા બાદ અંતે સાધારણ બે પૈસાની નરમાઈ સાથે ૮૩.૬૮ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયો ડૉલર સામે આઠ પૈસા ઘટ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૬૪.૨૭ પૉઈન્ટનો અને ૩૭.૧૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૦૬ ટકા વધીને ૧૦૦.૩૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને સ્થાનિક સ્તરે માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલીનું દબાણ રહેતાં રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૩ ટકા ઘટીને બેરલદીઠ ૭૧.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૨૯.૯૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલોને ધ્યાનમાં લેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…