ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સાધારણ પીછેહઠ જોવા મળતાં ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો પાંચ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૧ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૪૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૧ અને ઉપરમાં ૮૩.૪૪ની રેન્જમાં રહ્યા બાદ અંતે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે ગત શુક્રવારે અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હોવાથી આજે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર ઈન્ડેક્સના નરમ વલણને ધ્યાનમાં લેતાં રૂપિયામાં સુધારો જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.