વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૮૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૨.૯૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૬ અને ઉપરમાં ૮૨.૮૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૮૬ના મથાળે બંધ રહ્યો હતો. ગત ફેબ્રુઆરી મહિનાના અમેરિકાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ વધારો જોવા મળ્યો હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૩.૩૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૪.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હતો. જોકે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૫૩.૮૫ પૉઈન્ટનો અને ૧૨૩.૩૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૩૫૬.૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button