વેપાર

ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે પાંચ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાછોતરા સત્રમાં પીછેહઠ નોંધાવાની સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે 83.14ના મથાળે બંધ રહ્યો હતો.

આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.10ના બંધ સામે સુધારાના અન્ડરટોને 83.08ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.14 અને ઉપરમાં 83.05 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી નીકળવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની શક્યતા બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.05 ટકા ઘટીને 104.67 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીએ એક તબક્કે નવી ઊંચી સપાટી દર્શાવ્યા બાદ અંતે અનુક્રમે 19.89 પૉઈન્ટ અને 24.65 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહેવાથી તેમ જ આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.47 ટકા વધીને બેરલદીઠ 82.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 944.83 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button