ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત સાત સત્રની તેજીને બ્રેક લાગતા બૅન્ચમાર્ક આંકમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો થયો હતો, પરંતુ આયાતકારોની ડૉલરમાં મજબૂત માગ રહેતાં રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને નરમાઈના અન્ડરટોને બંધ રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૨ના બંધ સામે ૮૩.૩૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૭ અને ઉપરમાં ૮૩.૩૩ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા ઘટીને ૮૩.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં અનુક્રમે ૧૩૨.૦૪ પૉઈન્ટનો અને ૩૬.૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહેતાં રૂપિયો અથડાઈ ગયો હતો, પરંતુ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલો ઘટાડો અને તાજેતરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૯.૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.