ડૉલર સામે રૂપિયો વધુ પાંચ પૈસા નરમ

નવી દિલ્હી: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલી નરમાઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિતરત બાહ્ય પ્રવાહ ઉપરાંત આજે સમાપન થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણય અને ભવિષ્યમાં કેવી નાણાનીતિ અપનાવવામાં આવશે તેના નિર્દેશોની અવઢવમાં જોવા મળેલા સાવચેતીના અભિગમ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૪.૩૬ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી જોવા મળેલી સાધારણ પીછેહઠને કારણે રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૩૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૪.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૩૮ અને ઉપરમાં સત્રની ખૂલતી જ ૮૪.૨૬ની સપાટી દાખવીને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૪.૩૬ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં બાવીસ પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.