ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે તેલ આયાતકારો સહિત અન્ય આયાતકારોની ડૉલરમાં લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૯ના મથાળે રહ્યો હતો. જોકે, આજે સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ અને ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૫ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૪.૦૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૯ અને ઉપરમાં ૮૪.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ગત ૧૧મી ઑક્ટોબરની ઑલ ટાઈમ લૉ ૮૪.૧૧ની સપાટીથી માત્ર એક પૈસો છેટે બંધ રહ્યો હતો. હાલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં જળવાઈ રહેલી લેવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે જો આગામી દિવસોમાં અમેરિકાના જોબ ડેટા નબળા આવે અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળે તો રૂપિયાને ટેકો મળી શકે છે. દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલરમાં આયાતકારોની લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૩ ટકા વધીને બેરલદીઠ ૭૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે ૪૨૬.૮૫ પૉઈન્ટનો અને ૧૨૬ પૉઈન્ટના ઘટાડા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૪૮.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.