ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળીને બે મહિનાની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળીને બે મહિનાની ઊંચી ૮૩.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે ૨૦ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધારો જોવા મળ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના ૮૩.૭૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૩ અને ઉપરમાં ૮૩.૫૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૧૧ પૈસા વધીને બે મહિનાના ઊંચા ૮૩.૬૫ના મથાળે બંધ રહ્યો હતો. આ પૂર્વે ગત ૨૨મી જુલાઈના રોજ ડૉલર સામે રૂપિયો આ જ સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જાહેર રજા જાહેર કરવામાં આવી હોવાથી સ્થાનિક બજાર બંધ રહી હતી. અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો બમ્પર કાપ મૂક્યો હોવાથી ભવિષ્યમાં સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ૮૩.૪૦થી ૮૩.૮૦ની રેન્જમાં અથડાતો જોવા મળે તેવી શક્યતા બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા ઘટીને ૧૦૦.૨૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૬.૫૭ પૉઈન્ટનો અને ૩૮.૨૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૫૩.૬૯ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૫ ટકા વધીને બેરલદીઠ ૭૪.૪૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો મર્યાદિત હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.