વેપાર

ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા મજબૂત થઈને ૮૩ની અંદર

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૦૭.૩૬ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે જેપી મોર્ગન બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતના સમાવેશનાં અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસાના સુધારા સાથે ૮૩ની સપાટીની અંદર ઉતરીને ૮૨.૯૪ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૭૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૭ અને ઉપરમાં ૮૨.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૯ પૈસા વધીને ૮૨.૯૪ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્ર્વિક અગ્રણી બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ થતાં દેશની ડેબ્ટ માર્કેટમાં વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. જ્યારે એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે ગ્લોબલ બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ થતાં રૂપિયો ત્રણ સપ્તાહના ઘટાડા બાદ રિબાઉન્ડ થયો છે. જોકે, બૉન્ડમાં આંતરપ્રવાહની શરૂઆત આગામી વર્ષથી થશે તેમ છતાં આ અહેવાલની આજે રૂપિયા પર અસર જોવા મળી છે. જોકે, તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં અને ક્રૂડતેલના ભાવમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાથી આ સુધારો ઉભરા જેવો નિવડે તેમ જણાય છે. આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ૮૩.૧૫થી ૮૨.૬૦ની રેન્જમાં અથડાતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button