વેપાર

ડૉલર સામે રૂપિયો ચાર પૈસા વધીને બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફર્યો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ચાર પૈસાના સુધારા સાથે બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફરીને ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો ૧૨ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૬૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૩ અને ઉપરમાં ૮૩.૪૯ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા વધીને ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો.

એકંદરે તાજેતરમાં દેશના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવવાની સાથે સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્ક રૂપિયાને નીચા મથાળેથી ટેકો આપતી રહેશે તેમ છતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ ૮૩.૨૦થી ૮૪ આસપાસની જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.

આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૬૯.૦૩ પૉઈન્ટનો અને ૬૫.૯૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા વધીને ૧૦૫.૩૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૬૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૧૫.૩૦ કરોડની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button