ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા ઉછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં નવેસરથી લેવાલી નીકળવાનો આશાવાદ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ડૉલરમાં સંભવિત વેચવાલીને પગલે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૫ પૈસાના સુધારા સાથે ૮૩.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૦ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૫૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૦ અને ઉપરમાં ૮૩.૩૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસાના સુધારા સાથે ૮૩.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
હાલની બજારની સ્થિતિ જોતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ અથવા તો રિઝર્વ બૅન્ક દ્વારા બજારમાં હસ્તક્ષેપ થવાથી રૂપિયાને ટેકો મળી શકે છે.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૬ ટકા વધીને ૧૦૪.૭૩ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા વધીને બેરલદીઠ ૮૩.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૭૬.૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૫૩.૩૧ પૉઈન્ટનો અને ૬૨.૨૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ઘટતાં હવે આંતરપ્રવાહ શરૂ થવાના આશાવાદે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.