ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતો સુધારો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળીને ૮૩.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના ૮૩.૩૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ખૂલતી જ ૮૩.૨૩ અને ઉપરમાં ૮૩.૧૫ સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધથી ૧૧ પૈસાના સુધારા સાથે ૮૩.૨૦ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે મંગળવારે બજાર ગૂડી પડવા નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા ઘટીને ૧૦૪.૦૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૫૪.૪૫ પૉઈન્ટનો અને ૧૧૧.૦૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.