ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઉછળ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આજે સત્ર દરમિયાન ૧૬ પૈસાનો સુધારો જોવા મળ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૦ પૈસાના ઉછાળા સાથે ૮૩.૦૩ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે એશિયન બજારોમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાને કારણે પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૧૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૮ અને ઉપરમાં ૮૨.૯૭ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૦ પૈસા ઉછળીને ૮૩.૦૩ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે વિશ્ર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ૬.૩ ટકાના સ્તરે અને આગામી વર્ષ માટે ૬.૪ ટકાનો અંદાજ જાળવી રાખ્યો હોવાથી રોકાણકારોનાં વલણને પ્રોત્સાહિત કર્યું હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા નોંધપાત્ર ઘટાડા અને ઈક્વિટી માર્કેટનાં સુધારાનો રૂપિયાને ટેકો મળ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા ઘટીને ૧૦૨.૧૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૬૭ ટકા ઘટીને બેરલદીઠ ૭૭.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૭૧.૫૦ પૉઈન્ટનો અને ૭૩.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.