ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૮ પૈસા ઊંચકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને યેન કેરી ટ્રેડને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની ભીતિ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૮૪.૦૯ની ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૮ પૈસા ઊંચકાઈને ૮૩.૯૧ના મથાળે બંધ રહ્યો હતો.
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલની ૮૪.૦૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૮૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૮ પૈસાના સુધારા સાથે ૮૩.૯૧ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ૩૭ પૈસાનું ગાબડું પડ્યું હતું.
તાજેતરમાં વૈશ્ર્વિક સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ, અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેવાની ભીતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહે તેવી શક્યતા બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અમુક અંશે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો રૂપિયાને ટેકો પૂરો પાડી શકે છે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૭ ટકા વધીને ૧૦૭.૦૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૬૬.૩૩ પૉઈન્ટનો અને ૬૩.૦૫ પૉઈન્ટનો ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૦,૦૭૩.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.