ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા ઊછળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી અને સંભવિતપણે હાજરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો અને આજે ૧૮ પૈસાના ઉછાળા સાથે ૮૩.૧૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
તાજેતરમાં ગત નાણાકીય વર્ષ માટે રિઝર્વ બૅન્કે સરકારને અંદાજપત્રીય લક્ષ્યાંક કરતાં બમણું રૂ. ૨.૧૧ લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું હોવાને કારણે પણ બજારનાં સેન્ટિમેન્ટમાં બદલાવ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. ગઈકાલે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સ્થાનિક ફોરેક્સ માર્કેટ બંધ રહ્યા બાદ આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગત બુધવારના ૮૩.૨૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૬ અને ઉપરમાં ૮૩.૦૩ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૧૮ પૈસા ઊછળીને ૮૩.૨૧૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે સત્ર દરમિયાન રૂપિયો ૨૬ પૈસા સુધી મજબૂત થયો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી નાણાં નીતિમાં આક્રમક અભિગમ જાળવી રાખે તેવી શક્યતા સાથે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૨ ટકા ઘટીને ૧૦૪.૮૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં મજબૂત વલણ જોવા મળ્યું હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા ક્રૂડતેલના ભાવમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાનમાં લેતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જ્ળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૬૭૦.૯૫ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭.૬૫ પૉઈન્ટનો અને ૧૦.૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.