ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ જોવા મળી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની ૮૪.૦૭ની ઐતિહાસિક નીચી સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૦૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૭ અને ઉપરમાં ૮૪.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ૮૪.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર ચીને જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજ તથા વ્યાજદરમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારોનું રોકાણ ચીન તરફ ફંટાવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ રૂપિયાના સુધારાને અવરોધી રહ્યો છે. તે જ પ્રમાણે બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં વૈશ્ર્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેતાં ૮૩.૯૦થી ૮૪.૩૦ની રેન્જમાં અથડાતો રહે તેમ જણાય છે.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૬.૮૨ પૉઈન્ટનો અને ૩૬.૧૦ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૬૮૪.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૨.૦૩ ટકા ઉછળીને બેરલદીઠ ૭૬.૪૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.