ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો નીચલા મથાળેથી બજારમાં હસ્તક્ષેપ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની ૮૩.૯૮ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
એકંદરે આજે રિઝર્વ બૅન્કના બજારમાં હસ્તક્ષેપ, ડૉલર અને બ્રેન્ટ ક્રૂડતેલની નરમાઈને ટેકે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ જોવા મળ્યું હોવાનું આનંદ રાઠી શૅર્સ ઍન્ડ સ્ટોક બ્રોકર્સનાં કૉમૉડિટી તથા કરન્સી વિભાગના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડૅન્ટ મનીષ શર્માએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૯૦થી ૮૪.૧૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા જણાય છે.