ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બજાર બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત શુક્રવારની 83.51ની સપાટીએ જ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.51ના બંધ સામે ભાવ ટૂ ભાવ 83.51ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.53 અને ઉપરમાં 83.51ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના જ 83.51ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગત શુક્રવારની ઊંચી સપાટીએથી સાધારણ ઘટાડા સાથે 105.27 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
તેમ જ વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.12 ટકા વધીને બેરલદીઠ 82.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી પણ બેતરફી વધઘટે અથડાઈને અંતે અનુક્રમે 111.66 પૉઈન્ટ અને 48.85 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પણ બેતરફી વધઘટે અથડાઈને ગત શુક્રવારના જ 83.51ના મથાળે બંધ રહ્યો હતો.