ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક અને આજે મોડી સાંજે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ હોવાથી રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૯ અને ઉપરમાં ૮૩.૩૫ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલની જ ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકા ઘટીને ૧૦૩.૪૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા વધીને બેરલદીઠ ૭૬.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૩૭૭.૫૦ પૉઈન્ટ અને ૯૦.૭૦ પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૨૬૧.૧૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.