વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ૨.૩૯ ટકાનો તિવ્ર ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ત્રણ સત્રના ઘટાડાને બ્રેક લાગી હતી અને સાંકડી વધઘટે અથડાઈને ટકેલા ધોરણે ૮૩.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ગઈકાલે રૂ. ૭૭૦૨.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે કોન્સોલિડેટ થઈ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૫ અને ઉપરમાં ૮૩.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ૮૩.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકાનાં જીડીપી ડેટા, ડ્યુરેબલ ગૂડ્સનાં વેચાણના ઓર્ડરના ડેટા અને ગૃહ વેચાણનાં ડેટામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૬ ટકા ઘટીને ૧૦૬.૫૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો થવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૩૪.૬૫ પૉઈન્ટનો અને ૧૯૦ પૉઈન્ટનો સુધારો આવતા રૂપિયામાં ઘટાડાને બ્રેક લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button