ડૉલર સામે રૂપિયો મામૂલી એક પૈસો સુધર્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલનાં બંધ સામે મામૂલી એક પૈસાના સુધારા સાથે ૮૩.૩૦ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૩ અને ઉપરમાં ૮૩.૨૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસાના સુધારા સાથે ૮૩.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોનાં મતાનુસાર તાજેતરમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ હળવું થયું હોવાથી અને જોખમોમાં ઘટાડો થવાથી આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા છે. માત્ર શરત એટલી છે કે મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો ન થવો જોઈએ. જોકે, બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક મોહમ્મદ ઈમરાને જણાવ્યું હતું કે મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક જોખમ અને ઈરાન પર ક્રૂડતેલ અંગેનાં પ્રતિબંધો લાદવાની વાતચીતોને ધ્યાનમાં લેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય, પરંતુ રૂપિયો ૮૫ સુધીની સપાટી જાળવી રાખશે. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૧૪.૪૯ પૉઈન્ટનો અને ૩૪.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૮.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.