ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા ઘટીને ૮૩.૩૨ની નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૮૩.૪૯ની ઓલ ટાઈમ લૉ સપાટીએ પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ ત્રણ પૈસા ઘટીને ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ફોરેક્સ ટ્રેડરો અને રોકાણકારો આજે મોડી સાંજે જાહેર થનારા ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના ડેટા પર નજર રાખી રહ્યા હતા અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ અને ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૯ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૯ અને ઉપરમાં ૮૩.૨૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને અગાઉની ૧૮ સપ્ટેમ્બરની ઐતિહાસિક નીચી ૮૩.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ ૦.૦૨ ટકા ઘટીને ૧૦૫.૮૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૨.૪૮ પૉઈન્ટનો અને ૩૦.૦૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, પરંતુ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૭૧૨.૩૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૮૧ ટકા વધીને બેરલદીઠ ૮૦.૬૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.