વેપાર

ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ટે્રડરો અને રોકાણકારોનો સાવચેતીનો અભિગમ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારનાં બંધની સરખામણીમાં નવ પૈસા તૂટીને 83.47ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અન્યથા આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 13 પૈસા ગબડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારનાં 83.38ના બંધ સામે સાધારણ નરમાઈનાં અન્ડરટોને 83.39ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.51 અને ઉપરમાં ખૂલતી જ 83.39ની સપાટી રહ્યા બાદ અંતે આગલા બંધ સામે નવ પૈસા ઘટીને 83.47ના મથાળે બંધ રહ્યો હતો.

એકંદરે આજે ફેડરલની બેઠક પૂર્વે ટે્રડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી વિશ્વ બજારમાં રૂપિયા સહિત અન્ય એશિયન ચલણોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3408.88 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી પાંખાં કામકાજો વચ્ચે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હતું.

જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.26 ટકા ઘટીને 105.53 અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.53 ટકા ઘટીને બેરલદીઠ 89.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 941.12 પૉઈન્ટનો અને 223.45 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button