ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટ્યો
મુંબઈ: રાતા સમુદ્રમાંથી થતી માલની હેરફેર અટકવાથી વૈશ્ર્વિક વેપારો ખોડંગાવાની ભીતિ સપાટી પર આવવાની સાથે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૨૨.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને ૮૩.૨૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૮ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૮૩.૧૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૮ અને ઉપરમાં ૮૩.૧૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસાના ઘટાડા સાથે ૮૩.૨૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા ઘટીને ૧૦૧.૯૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૧ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.