ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વૈશ્ર્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઉછળી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા ગબડીને ૮૩.૩૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૫.૫૭ કરોડની લેવાલી રહી હોવાથી તેમ જ ભારતીય સરકારી બૉન્ડનો વૈશ્ર્વિક બૉન્ડ ઈન્ડેક્સમાં સમાવેશ થતાં પૂર્વે વિદેશી ફંડોના આંતરપ્રવાહના આશાવાદે રૂપિયામાં ઘટાડો કંઈક અંશે સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૯ અને ઉપરમાં ૮૩.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ૨૧ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ખાસ કરીને માસાન્તને કારણે તેલ માર્કેટિંગ કંપનીઓ સહિતના આયાતકારોની ડૉલરમાં લેવાલી, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના વાયદામાં જોવા મળી રહેલા સુધારાને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને બૉન્ડ માર્કેટમાં આંતરપ્રવાહ જોવા મળશે તો રૂપિયાને ટેકો મળી શકે છે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૪.૬૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૮ ટકા વધીને બેરલદીઠ ૮૪.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૬૭.૫૫ પૉઈન્ટનો અને ૧૮૩.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું.