ક્રૂડતેલ ઉકળતા ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા હોમાયો
મુંબઈ: ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાને પગલે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ૧૦૧ની સપાટીની ઉપર તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૭૫ ડૉલરની પાર થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકા ઉપરાંત ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના બંધ સામે ૧૮ પૈસા ગબડીને ૮૪ની સપાટીએ પહોંચ્યો હતો. ગઈકાલની ગાંધી જયંતીની જાહેર રજા બાદ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા ૮૩.૮૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૯૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૦ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૯૧ની સપાટીએ રહ્યા બાદ અંતે આગલા બંધ સામે ૧૮ પૈસાના ગાબડાં સાથે ૮૪ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ ઉપરાંત ઈક્વિટી માર્કેટની નરમાઈને કારણે રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં મધ્ય પૂર્વના દેશોના તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં ૮૩.૭૫થી ૮૪.૨૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા વધીને ૧૦૧.૯૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૬૬ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૭૫.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા