ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા તૂટ્યો

મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા ગબડીને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા તૂટીને ૮૩.૫૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં બૅન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં કડાકો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૩નાં બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૩.૪૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૧ અને ઉપરમાં ૮૩.૪૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
હાલમાં જૂન મહિનાના અંતિમ દિવસો પસાર થઈ રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલરમાં તેલ આયાતકારોની લેવાલી જળવાઈ રહે તેમ હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા છે. તેમ છતાં જો આગામી દિવસોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહે તો રૂપિયાને અમુક અંશે ટેકો મળી શકે છે, બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૨ ટકા વધીને ૧૦૫.૮૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૦ ટકા ઉછળીને બેરલદીઠ ૮૫.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ માસાંતને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૬૨૦.૭૩ પૉઈન્ટ અને ૧૪૭.૫૦ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ બંધ રહયા હતા.