ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાના નિર્દેશો, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ તેલના વાયદામાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા સુધારાતરફી વલણને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૪ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૭૭ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૭૯ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૪ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૭૯ની સપાટીએ રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૪ પૈસા ગબડીને ૮૩.૯૧ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો, ઈક્વિટીમાં વિદેશી રોકાણકારોનો બાહ્ય પ્રવાહ અને ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.