ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા તૂટ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૧૩ પૈસા તૂટીને ૮૩.૧૬ના મથાળે રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૩ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૮ અને ઉપરમાં ૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે વધુ ૧૩ પૈસા ગબડીને ૮૩.૧૬ના મથાળે બંધ રહ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થનારી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકાના ઉછાળા સાથે ૧૦૪.૧૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.