વેપાર

ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડ્યો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી, આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળા ઉપરાંત તેલ આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડીને ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૫ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૨૮ની સપાટી રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૧ પૈસા ઘટીને ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારો અને રોકાણકારોની માગ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા વધીને ૧૦૧.૪૪ આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૨.૧૩ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૭૮.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૭૯.૪૬ પૉઈન્ટનો અને ૭૬.૧૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૫૫.૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button