ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા ગબડીનેપહોંચ્યો ૮૩.૩૫ની સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને આયાતકારો અને બેંકો તરફથી અમેરિકન ચલણની માગમાં વધારો થવાને કારણે બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે ૧૬ પૈસા ઘટીને ૮૩.૩૫ની અસ્થાયી સપાટી પર સ્થિર થયો હતો. મંગળવારે સ્થાનિક ચલણ ડોલર સામે ૮૩.૧૯ પર સ્થિર થયું હતું. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં મજબૂત ખરીદીનું વલણ સેન્ટિમેન્ટ સુધારવામાં નિષ્ફળ ગયું હતું, કારણ કે રોકાણકારો રાતા સમુદ્રના માર્ગ દ્વારા વૈશ્ર્વિક વેપારમાં વિક્ષેપના ભયથી અસ્થિર બનેલા ક્રૂડ ઓઇલના ભાવ અંગે ચિંતિત હતા. ઇન્ટર બેન્ક ફોરેન એક્સચેન્જ ખાતે સ્થાનિક ચલણ ૮૩.૨૧ પર ખુલ્યું હતું અને ઇન્ટ્રા-ડે સોદા દરમિયાન ડોલર સામે ૮૩.૨૦ની ટોચ અને ૮૩.૩૫ની સૌથી નીચી સપાટી વચ્ચે ટ્રેડ થયું હતું. સ્થાનિક એકમ છેલ્લે ગ્રીનબેક સામે ૮૩.૩૫ (પ્રોવિઝનલ)ની સપાટી પર સેટલ થયું હતું, અને તેના અગાઉના બંધ કરતાં ૧૬ પૈસાનો ઘટાડો નોંધાવ્યો હતો. વિદેશી હૂંડિયામણ બજારના સાધનોએ જણાવ્યું હતું કે, વિદેશી બેંકો અને આયાતકારોની ડોલરની માગને કારણે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો છે. આ ઉપરાતં એફઆઈઆઈના આઉટફ્લોનું પણ રૂપિયા પર દબાણ હતું. જોકે, સકારાત્મક સ્થાનિક બજારો અને યુએસ ડોલરમાં નબળા ટોનને કારણે ઘટાડાની તીવ્રતા હળવી રહી હતી. જાણીતા કરન્સી એનાલિસ્ટે જણાવ્યું હતું કે મહિનાના અંતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને આયાતકારોની ડોલરની માગ પર રૂપિયો થોડો નકારાત્મક પૂર્વગ્રહ સાથે ટ્રેડ કરે તેવી અપેક્ષા છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની સ્પોટ પ્રાઇસ રૂ. ૮૩ થી રૂ. ૮૩.૭૦ની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, બુધવારે ૧૦૧.૦૭ પર નજીવો નીચો ટ્રેડ કરી રહ્યો હતો. વૈશ્ર્વિક ઓઇલની કિંમત બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૬ ટકા ઘટીને ૮૦.૯૪ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.