ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો | મુંબઈ સમાચાર

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જળવાઈ રહેલો બાહ્યપ્રવાહ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૩.૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૧ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૩.૨૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭થી ૮૩.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૩.૨૬ના મથાળે બંધ રહ્યો હતો.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૭ ટકા વધીને ૧૦૫.૬૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૧૬.૨૯ પૉઈન્ટ અને ૫.૦૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૪૯.૩૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૭૮ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૬૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Back to top button