વેપાર

ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા તૂટ્યો

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાના નિર્દેશો સાથે સત્ર દરમિયાન છ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પાછોતરા સત્રમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે ૧૮ પૈસા તૂટીને ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૯ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૮૩.૨૩ અને નીચામાં ૮૩.૪૯ સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૮ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૭ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે તેલ માર્કેટિંગ કંપનીઓ અને આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી નીકળતાં રૂપિયામાં વધુ ઘસારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલરમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતાને કારણે સ્થાનિક ઈક્વિટી બજાર દબાણ હેઠળ રહેવાને કારણે પણ રૂપિયો વધુ દબાણ હેઠળ આવી શકે છે. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૫.૭૧ પૉઈન્ટનો ૪૨.૦૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૨ ટકા ઘટીને ૧૦૪.૬૪ આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button