(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે મંગળવારે સેન્સેક્સમાં ૩૧૮.૭૬ પોઇન્ટનું મોટું ગાબડું પડ્યું હતું, જ્યારે નિફ્ટીએ સત્રમાં સતત સંધર્ષ છતાં અંતે ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૬૧ પોઇન્ટ સુધી પટકાઇને અંતે ૩૧૮ પોઇન્ટ અથવા તો ૦.૩૯ ટકાના ઘટાડા સાથે ૮૧,૫૦૧.૩૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૮૬.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૨૪,૯૭૧.૩૦ની સપાટીએ પહોંચ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, આઇટીસી અને ટાઇટન ટોપ ગેઇનરમાં સામેલ હતાં. જ્યારે એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ અને સ્ટેટ બેન્ક ટોપ ગેઇનર શેરોની યાદીમાં હતા.
સોલર પેનલ બનાવતી વારી એનર્જીનો રૂ. ૪૩૨૧ કરોડનો આઇપીઓ ૨૧મી ઓક્ટોબરે ખૂલી રહ્યો છે અને તેની પ્રાઇસ બેન્ડ રૂ. ૧,૪૨૭થી રૂ. ૧,૫૦૩ નક્કી થઇ છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ૧૮મી ઓકોટબરે ખૂલશે અને ભરણું ૨૩મી ઓકટોબરે બંધ થશે. ફ્રેશ ઇશ્યૂનો હિસ્સો રૂ. ૩૬૦૦ કરોડનો અને ઓફર ફોર સેલનો હિસ્સો ૪૮ લાખ શેરનો છે.
સિક્યુરિટી સર્વિસ અને ટેલિકોમ ઓઇએમ પ્રોવાઇડર બીડી સિક્યુરિટી લિમિટેડે પ્રાથમિક બજારમાં પ્રવેશવાની યોજનાના ભાગરૂપે એનએસઇમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની ૪૪,૫૬,૦૦૦ ફ્રેશ ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. ૩૧મી માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૧૧,૮૫૯.૨૦ લાખની આવક, રૂ. ૧,૪૨૪.૬૯ લાખનો એબિટા અને રૂ. ૮૦૧.૮૭ લાખનો પીએટી નોંધાવ્યો છે.
ઓફર ફોર સેલ શરૂ થતાં કોચીન શિપયાર્ડનો શેર પાંચેક ટકા ટૂટ્યો હતો. પ્લાસ્ટિક ઇન્જેક્શન અને બ્લો મોલ્ડ કમ્પોનેન્ટ્સની એક અગ્રણી ઉત્પાદક પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડ ૫૩,૪૬,૦૦૦ ઇક્વિટી શેરના રૂ. ૨૬.૨૦ કરોડનું બુક બિલ્ડીંગ ભરણું લાવી રહી છે. ઓટોમોટિવ પાર્ટસ ઉપરાંત, કંપની પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રિયલ કોમ્પોનેન્ટ્સ અને પેકેજિંગ સોલ્યુશન્સનું પણ ઉત્પાદન કરે છે, જે ઉદ્યોગો અને એપ્લિકેશનોની વિશાળ શ્રેણીને સેવા પૂરી પાડે છે. કંપની ૬૦૦થી વધુ કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરે છે અને ૧,૯૭૫ મેટ્રિક ટન વાર્ષિકની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.
લાર્સન એન્ડ ટૂબ્રોએ આગ્રા મેટ્રોની ડિઝાઇન અને ક્ધસ્ટ્રકશનનો ઓર્ડર મેળવ્યો છે. ઇન્ફોર્મા માર્કેટ્સ દ્વારા આયોજિત વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયાની દસમી એડિશનમાં કોંક્રિટ, બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોના ટોચના ૩૦૦થી વધુ એક્ઝિબિટર્સ અને મુખ્ય નીતિ ઘડવૈયા એકત્ર થયા હતા. ૧૮મીસુધીની આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં જર્મની, ઇટાલી, યુએસએ, કુવૈત, દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ અને જાપાન જેવા મુખ્ય બજારો સહિત વિશ્ર્વભરમાંથી ૧૫,૦૦૦થી વધુ બિઝનેસ ડેલિગેટ્સ સહભાગી થઇ રહ્યાં છે.
એસએસી ઇસરો સાથે સંયુક્ત ભાગીદારીમાં સ્વદેશી જિઓસ્પેશિયલ સોફટવેરની ડીઝાઇન અને ડેવલપમેન્ટનું કાર્ય કરનારી સ્કેનપોઇનટ જિયોમેટિક્સે બીટુસી સેગમેન્ટ માટે જીઆઇએસ આધારિત એપ્લિકેશન સર્વે ૩૬૦ને સક્ષમ બનાવી છે. ભારતમાં પહેલી બુલેટ ટ્રેન બનાવવાનો ઓર્ડર હાંસલ કર્યો હોવાની ચર્ચાએ બીઇએમએલમાં આઠ ટકાનો ઉછાળો હતો.
પ્રાઇમરી માર્કેટના ઇતિહાસના સોથી મોટા એવા હ્યુન્ડાઇના ભરણાંને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો, બીજા દિવસે સાંજ સુધીમાં તે માત્ર ૪૭ ટકા ટકા ભરાયું હતું અને ગ્રે માર્કેટમાં રૂ. ૬૫ના પ્રીમિયમ સાથે ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો. હ્યુન્ડાઇનું વેલ્યુએશન તેની પેરેન્ટ કંપની અને અન્ય ઓટો કંપનીઓ કરતા ઊંચું હોવા સાથે અમુક અમુક કાનૂની બાબતો તથા ક્ષમતા વપરાશ સહિતના કારણોસર તેનું જીએમપી નિરસ રહ્યું હોવાની બજારમાં ચર્ચા હતી.
નોંધવું રહ્યું કે ભરણું ખૂલતા પહેલા તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ૮૯ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. એક તબક્કે તેનું જીએમપી બે ટકાના ડિસ્કાઇન્ટ સુધી નીચે જઇ પાછું ફર્યું છે, આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થશે એવી બજારમાં ચર્ચા હતી. જોકે, અમુક ખેલાડીઓ શેર કોર્નર કરવા માગે છે એવી પણ ચર્ચા છે.
બજારના અભ્યાસુઓના મતે રોકાણકારો હાલ જટીલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે, જેમાં ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ સકારાત્મક સમાચાર છે, પરંતુ મહત્વની કંપનીઓના પરિણામો નબળા આવવાની ધારણ સાથે બીજી તરફ વિદેશી રફંડો એકધારી વેચવાલી કરી રહ્યાં છે.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં તીવ્ર ઘટાડો ભારત માટે મેક્રો પોઝિટિવ છે, પરંતુ સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ૫.૪૯ ટકાની અપેક્ષા કરતાં વધુ ખરાબ આવે તે ચિંતાનો વિષય છે, એમ જણાવતાં એનાલિસ્ટે કહ્યું હતું કે, એમપીસીને આને ગંભીરતાથી લેવાની અને વ્યાજદરમાં કાપને ૨૦૨૫ સુધી મુલતવી રાખવાની ફરજ પડશે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ૫.૪૯ ટકાની નવ મહિનાની ટોચે પહોંચી ગયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીનો શેર ગબડ્યો હોવાને કારણે બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર થઈ હતી. નોંધવું રહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ૫ાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો જુલાઇ-સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૧૬,૫૬૩ કરોડ અથવા રૂ. ૨૪.૪૮ પ્રતિ શેર થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં અનુક્રમે રૂ. ૧૭,૩૯૪ કરોડ અથવા શેરદીઠ રૂ. ૨૫.૭૧ના સ્તરે હતો.
એફઆઇઆઇએ મંગળવારે રૂ. ૧૭૪૮.૭૧ કરોડના શેરની વેચવાલી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ) દ્વારા ઓકટોબર ૨૦૨૪ મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં જ રૂ. ૫૮,૭૧૧ કરોડના શેરોની જંગી વેચવાલી કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એફઆઇઆઇની વેચવાલીનો ઓકટોબરનો આંકડો સાત અબજ ડોલરની સપાટી વટાવી ગયો છે, જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો આંકડો છે.
બજારની મુવમેન્ટને કોર્પોરેટ પરિણામ પણ અસર કરશે અને આ પરિણામ નબળા આવવાની ચર્ચા છે. આ અઠવાડિયે ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરનારી અન્ય કંપનીઓમાં એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, બજાજ ઓટો, એક્સિસ બેંક, એલટીઆઇમાઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ઇન્ડેક્સમાં ૩૮ ટકાથી વધુ વેઇટેજ ધરાવે છે.
એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, એન્જલ વન, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, પીવીઆર ઈંગઘડ, આદિત્ય બિરલા મની, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસ, એમફેસિસ, સીએટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, હેવેલ્સ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જિંદાલ સ્ટેનલેસ, પોલીકેબ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની, જિંદાલ સો, એલએન્ડટી ફાઈનાન્સ, ઓબેરોય રિયલ્ટી, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, એમસીએક્સ ઈન્ડિયા અને આરબીએલ બેંક પણ પરિણામ જાહેર કરશે.