રિઝર્વ બેન્કનું તરણું ઝાલીને બજારગબડ્યું, સેન્સેક્સમાં ૫૮૨ પોઇન્ટનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:દેશની મધ્યસ્થ બેન્ક, રિઝર્વ બેન્કે વ્યાજદરો અપેક્ષા અનુસાર જ યથાવત્ રાખ્યા હોવા છતાં આ માટેની જાહેરાત બાદ વેચવાલીનું દબાણ વધતાં નિફ્ટી ૨૪,૧૫૦ની નીચે સરક્યો હતો જ્યારે સેન્સેક્સમાં ૫૮૨ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સ ૬૬૯ પોઇન્ટ સુધી નીચે ગબડ્યા બાદ અંતે ૫૮૧.૭૯ પોઈન્ટ્સ અથવા ૦.૭૩ ટકા ઘટીને ૭૮,૮૮૬.૨૨ પોઇન્ટના સ્તરે અને નિફ્ટી ૧૮૦.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૩ ટકા ઘટીને ૨૪,૧૧૭.૦૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. આ સત્રમાં લગભગ ૧,૭૦૨ શેર વધ્યા હતા અને ૧,૬૭૯ શેર ગબડ્યા હતા, જ્યારે ૮૪ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.
એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રઈડ, લાર્સન એન્ડ ટૂબ્રો, એચસીએલ ટેકનોલોજી અને ટાટા સ્ટીલ ટોપ લુઝર રહ્યાં હતા, જ્યારે ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, આઈટીસી, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ ગેઇનર રહ્યો હતો. કોર્પોરેટ હલચલમાં ભારતની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ધસલ્ટન્સી કંપનીઓમાંની એક, ધ્રુવ ક્ધસલ્ટન્સી સર્વિસિસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં વાર્ષિક ધોરણે ૭૩.૮૩ ટકાના વધારા સાથે રૂ. ૨૦.૦૨ કરોડની કુલ આવક, રૂ. ૨.૮૨ કરોડનું એબિટા, રૂ. ૦.૮૮ કરોડનો ચોખ્ખો નફો અને રૂ. ૦.૫૫ નું ડાઇલ્યુટેડ ઇપીએસ નોંધાવ્યું છે. ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ કંપની, મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં વાર્ષિક ધોરણે ૧૩.૮ ટકાના વધારા સાથે રૂ. ૨૩૦.૨૧ કરોડની કુલ આવક, ૭૮.૫૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૨.૮૮ કરોડનો એબિટા, ૧૪૩.૨૮ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૬.૦૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૫.૬૦ ટકા અને પીએટી માર્જિન ૨.૬૧ ટકા છે. એલેમ્બિક ફાર્માનો પ્રથમ ક્વાર્ટરનો નફો ૧૨ ટકા વધીને રૂ. ૧૩૫ કરોડ, ભારત ફોર્જનો પ્રથમ ક્વાર્ટરનો નફો ૧૮ ટકા ઘટીને રૂ. ૧૭૫ કરોડ રહ્યો હતો. ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ માટે સ્ક્રીપબોક્સે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસ શરૂ કરી છે. અત્યાર સુધી આ પ્રકારની એડવાઇઝરી સર્વિસ માત્ર હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ માટે જ ઉપલબ્ધ રહેતી હતી. એમઆરએફનો ચોખ્ખો નફો ઘટીને રૂ. ૫૭૧ કરોડ અને કુલ આવક રૂ. ૭૨૮૦ કરોડ રહી હતી.
નિફ્ટીના શેરોમાં એલટીમાઇન્ડટ્રી, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ અને ઈન્ફોસીસ ટોપ લૂઝરની યાદીમાં હતા, જ્યારે એચડીએફસી લાઈફ, ટાટા મોટર્સ, એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી બેન્ક અને સિપ્લાનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો. સેન્સેક્સ સમાવિષ્ટ કંપનીઓમાંની ટાટા મોટર્સ ૧.૫૭ ટકા, એચડીએફસી બેન્ક ૧.૦૬ ટકા, ભારતી એરટેલ ૦.૬૯ ટકા, આઈટીસી ૦.૩૧ ટકા ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૧૯ ટકા, સમ ફા્મા ૦.૦૭ ટકા અને એક્સિસ બેન્ક ૦.૦૪ ટકા ઘટી હતી, જ્યારે અન્ય સ્ક્રિપ્સ ઘટી હતી, જેમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ્સ ૩.૨૧ ટકા, ઈન્ફોસિસ ૨.૮૪ ટકા, પાવર ગ્રીડ ૨.૭૪ ટકા, લાર્સન ૨.૫૩ ટકા, એચસીએલ ટેકનોલોજી ૨.૩૩ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૨.૩૦ ટકા, તાતા સ્ટીલ ૨.૧૮ ટકા એનટીપીસી ૨.૧૫ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૯૨ ટકા ઘટી હતી. સેક્ટોરલ મોરચે, ફાર્મા, હેલ્થકેર અને મીડિયા સિવાય, અન્ય તમામ ઇન્ડેકસ નેગેટીવ ઝોનમાં સરક્યા હતા, જેમાં મેટલ, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સમાં એકાદ બે ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૪ ટકાના ઘસરકા સાથે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે દરો યથાવત રાખ્યા પછી બેંકિંગ, ઓટો અને રિયલ્ટી શેરો જેવા દર-સંવેદનશીલ શેરોમાં અફડાતફડી અને ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. આરબીઆઈની નીતિની જાહેરાત પછી, બીએસઈ બેન્કેક્સ અને ઓટો ઈન્ડેક્સ શરૂઆતમાં લગભગ ૦.૬ ટકા ઘટ્યા હતા પરંતુ ઝડપથી રીકવર થયા હતા. એશિયાઇ બજારોમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. હોંગકોંગ અને શાંઘાઇ શેરબજારમાં સુધારો હતો જ્યારે ટોકિયો અને સિઓલના શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. ુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી નકારાત્મક સંકેત રહ્યાં હતા. અમેરિકાના બજારો બુધવરે નીચી સપાટીએ ગબડ્યા હતા. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ભારતીય શેરબજારમાં રૂ. ૩૩૧૪.૭૬ કરોડના શેર વેચ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૬ ટકા ગબડીને બેરલદીઠ ૭૭.૮૩ ડોલર બોલાયું હતું.